• 0
  • No Items available
x

Jayantilal Mehta (જયંતીલાલ મહેતા)

Description

જયંતીલાલ અમૃતલાલ મહેતાનો જન્મ ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૨૧ના રોજ કાઠિયાવાડના દેશી રાજ્ય પાલિતાણામાં થયો.

૧૯૩૯માં પાલિતાણાની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈ મુંબઈની સીડનહામ કૉલેજમાં ૧૯૪૩માં બી.કોમ. પાસ કરીને નોકરીમાં જોડાયા. મુંબઈની રૂની પેઢીમાં. ૧૯૪૯થી કલકત્તામાં વસવાટ. ૧૯૫૯માં નોકરી છોડીને પોતાનો રૂનો ધંધો કર્યો. ૧૯૮૬માં આજીવિકા પ્રવૃત્તિમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લીધી અને અધ્યાત્મવિદ્યા તથા લેખનપ્રવૃત્તિમાં વળ્યા.

બાળવયથી શિક્ષક પિતાએ સાહિત્યપ્રીતિ કેળવેલી જે વિકસતી, વિસ્તરતી રહી અને કલકત્તામાં રમણિક મેઘાણી, શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય વગેરે સાથેની મૈત્રી-યારીમાં ફૂલી-ફાલી. ૧૯૫૯માં પ્રથમ નવલિકા ‘કુમાર’માં પ્રસિદ્ધ થઈ. ૧૯૬૨માં પ્રથમ વિવેચન ‘સંસ્કૃતિ’માં છપાયું. પછી ‘ગ્રંથ’ના વિવેચનકાર બન્યા. દૈનિકો, સાપ્તાહિકોના કટારલેખક બન્યા.

૧૯૮૪માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘હુલ્લડિયા હનુમાન’ પ્રસિદ્ધ થયો. ૧૯૮૮માં વિવેચનસંગ્રહ ‘માણ્યું તેનું સ્મરણ કરવું’ પ્રસિદ્ધ થયો. ૧૯૯૧માં ‘ખભે ખલિતો’ નામે યાત્રાકથા પ્રસિદ્ધ થઈ. ૧૯૯૨માં ‘બક્ષીઃ એક જીવની’ નામે જીવનકવનકથા તથા ‘આહ! અમેરિકા!’ નામે લઘુનવલ બહાર પડ્યાં. ૧૯૯૩માં ‘માલદ્વીપનો મરદ’ નામે નવલકથા તથા ‘મહામાનવ છગનબાપા’ નામે જીવનકથા અને ‘કલકત્તામાં ગુજરાત’ નામે ઇતિહાસકથા પ્રસિદ્ધ થયાં. ૧૯૯૫માં ‘કાઠિયાવાડથી કલકત્તા : રાગ અતીત’ નામે આત્મકથા તેમના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે પ્રસિદ્ધ થઈ. ૧૯૯૬ ‘મૂઠી ઊંચેરો માનવી’ (ઝવેરચંદ મેઘાણીની જીવનકવનકથા) બહાર પડી. ૧૯૯૭માં ‘સંસાર-સંન્યાસ’ નામે નવલકથા પ્રસિદ્ધ થઈ અને ‘જ્યોતિર્ધર મુન્શીજી’ નામે કનૈયાલાલ મુન્શીની જીવનકવનકથા પ્રસિદ્ધ થશે. ૧૯૬૧થી ૧૯૯૩ દરમિયાન અન્યો સાથે ‘કેસૂડાં’ના સાત અંકોનું તથા ‘શિવકુમાર જોષી : વ્યક્તિ અને વાઙ્ મય’નાં સંપાદનો કર્યાં.

૧૯૮૭થી પ્રતિવર્ષ કલકત્તા-અમદાવાદ-ઉત્તરકાશી(હિમાલય)માં પરિવ્રાજક જેવો વસવાટ અને લેખન-વાંચન, સ્વાધ્યાય-સાધનાની પ્રવૃત્તિઓમાં રમમાણ રહે છે.

લેખકનાં પુસ્તકો

(૧) ૧૯૮૪ : હુલ્લડિયા હનુમાન : વાર્તાસંગ્રહ

(ર) ૧૯૮૮ : માણ્યું તેનું સ્મરણ કરવું : વિવેચનસંગ્રહ

(૩) ૧૯૯૧ : ખભે ખલીતો : યાત્રાકથાઓ

(૪) ૧૯૯૨ : બક્ષી એક જીવની : જીવનકવન કથા

(પ) ૧૯૯૨ : આહ! અમેરિકા! નવલકથા

(૬) ૧૯૯૩ : માલદ્વીપનો મરદ : નવલકથા

(૭) ૧૯૯૩ : મહામાનવ છગનબાપા : જીવનકથા

(૮) ૧૯૯૩ : કલકત્તામાં ગુજરાત : ઇતિહાસકથા

(૯) ૧૯૯૫ : કાઠિયાવાડથી કલકત્તા : રાગ અતીત આત્મકથા

(૧૦) ૧૯૯૬ : મૂઠી ઊંચેરો માનવી (ઝવેરચંદ મેઘાણીની જીવનકવનકથા)

(૧૧) ૧૯૯૭ : સંસાર : સંન્યાસ : નવલકથા

(૧૨) જ્યોતિર્ધર મુન્શીજી (ક. મા. મુન્શીની જીવનકવનકથા)