આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

જવાહરલાલની મનોદશા – મહાદેવ દેસાઈ

On November 14, 2014 by Admin

ભારતની આઝાદી અહિંસક હોવાના કારણે વિશ્વના ચોપડે અજોડ લેખાય છે. આઝાદીના જે લડવૈયાઓ ૧૯૧૫માં ગાંધીજીના આગમન પછી અહિંસક માર્ગે વળ્યા હતા તેમાંના એક મોતીલાલ નહેરૂના પુત્ર જવાહરલાલ. સંપૂર્ણ સ્વતંત્ર વિચારબુદ્ધિથી ગાંધીજીની અહિંસાને ‘By Choice’ અપનાવનારા જોશીલા યુવા બેરિસ્ટર જવાહરલાલ ખૂબ મહેનતુ અને મનોવૃત્તિથી ઘણા આધુનિક હતા. ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના લાહોર સેશનમાં તેમના પ્રમુખપદે ભારતે પૂર્ણ સ્વરાજનું પ્રથમ સ્વપ્ન જોયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે તેમની અધ્યક્ષતામાં ભારતે પોતાનો પ્રથમ સ્વાતંત્ર્ય દિન મનાવ્યો. ઈ-શબ્દ આજે તેમના 125મા જન્મદિને આઝાદીના તે દિવસોને યાદ કરતાં ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઇએ ‘નવજીવન’માં તેમના વિષે જે લેખ લખ્યો હતો તે વાચકો સમક્ષ ફરી રજૂ કરે છે… લેખ માટે નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘જવાહરલાલ નહેરૂ–ગાંધીજીની દ્રષ્ટિએ’નો આધાર લેવાયેલ છે. 


મોડે મોડે પણ મહાસભાનાં થોડાં સ્મરણો આપવાનું મન થઈ જાય છે. મહાસભાના મુખ્ય ઠરાવની અસર જુદા જુદા માણસોની ઉપર જુદી જુદી થઈ હશે. મને તો બહુ ભટકવાનો અવકાશ નહોતો મળ્યો એટલે આ બાબતમાં હું બહુ ખબર ન આપી શકું. પણ ગાંધીજીની આસપાસ સામાન્ય રીતે અનેક મતોનું પ્રદર્શન ભરાઈ જાય છે. એટલે તેમાંથી થોડી વાનગી આપી શકાય. ઠરાવ થયો ને બીજે દિવસે બસ્તીનો એક ખેડૂત ગાંધીજીના તંબૂમાં આવ્યો. ગાંધીજીને કંઈક પૂછવા આવ્યો હતો. ગાંધીજી તો નહોતા એટલે ઠૂંઠવાતો ઠૂંઠવાતો સગડી પાસે બેઠો, અને પછી પૂછવા લાગ્યો : “સ્વરાજ મિલ ગયા? નેહરુજીકા લડકા બાદશાહ ભયલ બા? દિલ્હીકી ગાદીસે બડા લાટ ગયા?” એ બિચારો સાચે જ માનતો હતો કે લાહોરથી સીધા દિલ્હી જઈને ‘બડા લાટ’ (વાઇસરૉય)ને રજા આપી જવાહરલાલ ગાદીએ બેસશે! એને બિચારાને ક્યાં ખબર હતી કે જવાહરલાલને નથી રાજા ગમતા કે નથી રાજગાદી ગમતી?

jawaharlal-nehru-addressing

જવાહરલાલની પોતાની મનોદશા કેવી હશે? એમની મુલાકાત લેવાનો મને પ્રસંગ ન આવ્યો. ખાધાપીધાની દરકાર વિના કલાકોના કલાકો વિષયવિચારિણી સભાની ચર્ચાઓમાં માથું કૂટતા છતાં તેઓ બહાર પણ સભા ભરતા. અને પોતાને મુકામે મધરાત અને તેથીયે વધારે સમય સુધી મુલાકાત માટે આવનારાઓ સાથે વાતો કરતા. ત્યાં મારા જેવાને ક્યાં પ્રસંગ આવે? પણ એમની મનોદશાની કલ્પના મને સારી રીતે આવે છે. એ સરઘસમાં ઘોડે બેસીને નીકળ્યા. પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો ત્યારે સ્વયંસેવકોમાં જઈને મધરાત પછી ગાયું અને નાચ્યા. એથી કોકને જુદો જ ખ્યાલ આવે. પણ એમની સાથે ૧૯૨૧-’૨૨માં દહાડાના દહાડા રહીને હું એમની મનોદશા સારી રીતે જાણું છું. ‘કૉમ્યુનિસ્ટ કહેવડાવીને એને અમીર રહેવું છે’ એવી એમના પર ટીકા થાય છે. પણ ૧૯૨૧ના દિવસોમાં ગામડાંઓમાં ખૂબ રખડી રખડીને આવી સ્ટૅશન ઉપર મોટર બોલાવ્યા વિના સામાન્ય છકડામાં બેસીને મેલેઘેલે વસ્ત્રે ઘેર આવતા ત્યારનું એમની માતાનું દુ:ખ અને એમનો આનંદ મને યાદ છે. જ્યારે એ બીજી વાર જેલમાં ગયા તે વેળાનું અદાલતમાં કરેલું બયાન એમનાં ઉત્તમોત્તમ લખાણોમાં રહી જશે. એનું છેલ્લું વાક્ય કંઈક આવું હતું એવું મને સ્મરણ છે : “દેશના સ્વાતંત્ર્ય માટે જેલમાં જવાનું તો ઘણાને સદ્ભાગ્ય મળતું હશે. પણ મરવાનું તો કોકને જ મળે છે. એ સદ્ભાગ્ય મને કોક દિવસ મળે.” જેલમાં અમે સાથે હતા ત્યારે બીજાની પાસે કામ તો કરાવી શકતા હતા પણ પોતાનું જ કામ બધું જાતે કરી લેવાનો એમનો આગ્રહ અનુકરણીય હતો. કપડાં ધોવાં એ રમતવાત હતી. પણ એક દિવસ ખાટલાની આખી પાટી કાઢી, એને બાફી અને ધોવા ઉપર કેટલાયે કલાક આપ્યા તે હું ભૂલી શકતો જ નથી. આટલું કામ કરતા છતાં જ્યારે સાંજ થતી ત્યારે તોફાનમસ્તી કરવા તે ચૂકતા નહીં. જોસફ અને એ બંને તો વિલાયતવાસી ખરા ને? એટલે વિલાયતના દિવસોનાં અનેક સ્મરણો કહે અને હાથમાં હાથ મેળવીને નાચે! છતાં આ નાચથી તે જેલમાં છે એ ભાન ભૂલી ગયા હતા કે શૂળીને માંચડે ઊડવાનું આવ્યું તો તેની તૈયારી ન બતાવત એમ કોઈ ન કહેશે.

jawaharlal-nehru-with-childrenસાચી વાત એ છે કે એમની રગેરગમાં ‘ઝિંદાદિલી’ છે. અને ‘મુર્દાદિલી’ એમને જરાયે પસંદ નથી. ‘મુર્દાદિલી’ની એમને ચીડ છે એમ કહીએ તો ચાલે. લાહોરની સ્વયંસેવિકાઓમાં ગાંધીજી ગયા ત્યારે બધી સેવિકાઓ જેઓ સામાન્ય રીતે ખૂબ કૂદાકૂદ અને ઉધમાત ચલાવતી તે ડાહીડમરી થઈને ઊભી રહી. એ કૃત્રિમતા એમને ન ગમી, અને તુરત એમણે બધીને કહ્યું : “ગાંધીજી આવ્યા તેથી આમ ડોસીઓ જેવી ગંભીર શું બની ગઈ છો? તમે જીવતીજાગતી છો એમ ગાંધીજીને જાણવા દો.” જેલમાં હતા ત્યારે કોઈ ટટ્ટાર ન ચાલતો હોય તો તેને પાછળથી ધક્કો મારીને કહે : “આમ શું ચાલે છે? છાતી કાઢીને ચાલની!” દોડતા હોય તો દોડવામાં ‘શાન’ જોઈએ. ગધેડાં દોડે તેમ નહીં પણ શૂરા સિપાહી દોડે એવું દોડવું જોઈએ એમ કહીને દોડી બતાવે.

jawaharlal-nehru (2)આની સાથે સાથે અથવા આ ઝિંદાદિલીમાંથી જ ઉત્પન્ન થતી આત્મશ્રદ્ધાનો એમનામાં પાર નથી. મહાસભાનું ધુર્યપદ એમના ઉપર નાખવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ એમને પૂછેલું અને એમણે કહેલું : “તમે એ ભાર નાખશો જ તો હું હઠી જાઉં એમ નથી.” અને લાહોરમાં ભેગા થયેલા સૌએ જોયું કે પ્રમુખપદે બિરાજતા એ યુવાન પ્રમુખ જાણે અનેક પ્રમુખપદનો અનુભવ લઈને બેઠા હોય એવી રીતે પોતાનું કામ ચલાવતા હતા. બેકાયદે વર્તનારને દાબી દેતા. આદરપાત્રની ઇજ્જત કરતા, તોફાનીને કોઈ વાર દબાવતા તો કોઈ વાર મનાવતા, તો કોઈ વાર મશ્કરી કરીને ઉડાવતા. એમને જોઈને સૌને એમ થતું કે : “આ માણસ આવી ગાદીને માટે સર્જાયેલો છે.”
नवजीवन, ૨–૨–૧૯૩૦
– મહાદેવ દેસાઈ


જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
www.e-shabda.com/blog

[Jawaharlalni Manodasha: Article on Jawaharlal Nehru by Mahadev Desai, e-shabda blog posted on 14th November 2014]

2 comments

  • surendra ashar November 18, 2014 at 5:31 pm - Reply

    nehruji ni sadgi ni vato vanchi ane tyag ni bhavna jani temna jeva Mahan neta na guno mate salaam..

  • સૌરભભાઈ ડી.ભટ્ટ May 6, 2016 at 6:02 pm - Reply

    પંડિતજી ના જીવન વિશેની આવી વાતો આજના યુવાને ખરેખર વાંચવી જોઈએ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.