આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

ગાંધીજીની આત્મકથા… શું તમે ખરેખર વાંચી છે?

On October 2, 2014 by Admin

MKG-32964-Webકોઈને વાંચનનો શોખ હોય અને પૂછો કે તમારું મનપસંદ પુસ્તક કયું? તો મોટા ભાગના લોકો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ કહેશે. પરંતુ, આ પુસ્તક ‘વાંચ્યું છે’ એવું કહેતા અને ખરેખર વાંચ્યું હોય તેવા લોકોના આંકડા વચ્ચે ખાસ્સું અંતર છે. 

‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ [to buy click here], પાંચ ખંડો, ૧૬૭ પ્રકરણો, દરેક ખંડમાં ૮૦ થી ૧૦૦ પાનાં, કુલ ૪૫૯ પાનાં, કિંમત રૂ. ૬૦, ઇ-બુક કિંમત રૂ. ૪૦. જો તે ન વાંચવી હોય તો ભારતન કુમારપ્પા દ્વારા આત્મકથાના મહત્વપૂર્ણ પ્રકરણોને સાંકળી લેતી ‘ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા’ [to buy click here] પણ છે. વિષય પ્રમાણે વિભાજીત થયેલ ૧૬ નાના-નાના ભાગો, આત્મકથાના ૧૬૭ માંથી ૮૨ પ્રકરણો, કુલ ૨૬૦ પાનાં, કિંમત રૂ. ૨૫, ઇ-બુક કિંમત રૂ. ૨૦.

એ પણ જો તમે વાંચી ન શકો, તો કમસે કમ આજે અહીં આપેલ આત્મકથાની પ્રસ્તાવના વાંચીને જરૂર શરૂઆત કરો.


પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલ્સકૅપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો ‘નવજીવન’ને સારુ જ લખી શકાય. મારે ‘નવજીવન’ સારુ કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેનાં વાક્યો સંભળાવ્યાં:

“તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઈએ લખી જાણી નથી. અને શું લખશો? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો? તમારાં લખાણને ઘણાં મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો? તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું કાંઈ ન લખો તો ઠીક નહીં?”

આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઈ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું,—અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુ:ખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું 30 વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થ ભાવે, નિરભિમાનપણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારુ કંઈક સામગ્રી મળે.

આ પ્રયોગોને વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈ પણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.

જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના ઉપર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ‘સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ – વાચાનું – સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની – ઈશ્વરની – ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ‘નવજીવન’ ઇત્યાદિના વાંચનાર જાણી ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે સાથે કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠવિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાંનાં નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે તો હું અવશ્ય કહું કે,

मो सम कौन कुटिल खल कामी?
जिन तनु दियो ताहि बिसरायो
ऐसो निमकहरामी |

કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનારો ગણું છું તેનાથી હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે.

મોહનદાસ કરમચંદ ગાંધી

આશ્રમ, સાબરમતી
માગશર શુ. ૧૧, ૧૯૮૨


જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
www.e-shabda.com/blog


ગાંધીજયંતી એ ઇ-શબ્દના રાષ્ટ્રપિતાને વંદન…

[Autobiography: Introduction by Gandhiji, e-shabda blog posted on 2nd October 2014]

1 comment

  • surendra ashar October 2, 2014 at 4:07 pm - Reply

    Pujya Gandhi bapu me lakh lakh naman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.