આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

Stop All the Clocks… – Suresh Dalal

On September 2, 2014 by Admin

પોતાની જ કવિતાઓથી સૌને રસતરબોળ કરી નાખતા કવિ સુરેશ દલાલ જ્યારે કોઈ અંગ્રેજી કાવ્યનો આસ્વાદ કરાવે ત્યારે કળાનો ત્રિવેણી સંગમ થાય. મૂળ કાવ્ય, સુરેશ દલાલનો ભાવાનુવાદ અને તેમના જ દ્વારા થતો આસ્વાદ. અહી આ સંગમ વાચકો સમક્ષ રજૂ કરવાની સાથે-સાથે ચોથું પરિમાણ, સુરેશ દલાલના જ અવાજમાં તેની ઓડિયો ક્લિપ રજૂ કરીએ છીએ. કાવ્ય છે : ઑડનનું વિષાદ-રસથી ભરપૂર, Stop All The Clocks.

Stop all the clocks, cut off the telephone,
Prevent the dog from barking with a juicy bone,
Silence the pianos and with muffled drum
Bring out the coffin, let the mourners come. 

Let aeroplanes circle moaning overhead
Scribbling on the sky the message He Is Dead,
Put crepe bows round the white necks of the public doves,
Let the traffic policemen wear black cotton gloves. 

He was my North, my South, my East and West,
My working week and my Sunday rest,
My noon, my midnight, my talk, my song;
I thought that love would last for ever: I was wrong.

The stars are not wanted now: put out every one;
Pack up the moon and dismantle the sun;
Pour away the ocean and sweep up the wood.
For nothing now can ever come to any good.

-W. H. Auden


તમામ ઘડિયાળો બંધ કરો, ટેલિફોન કાપી નાખો,
રસ ઝરતા હાડકા સાથે ભસતા કુત્તાને અટકાવી દો.
પિયાનોને મૂંગા કરો અને શાંત-ધીમા પડઘમ સાથે
શબપેટીને બહાર લાવો, ડાઘુઓને આવવા દો.

વિમાનને માથે ફરતું ગોળગોળ ઊડવા દો
અને આકાશમાં સંદેશો ચીતરવા દો કે એ મૃત્યુ પામ્યો છે.
જાહેર કબૂતરના શ્વેત ગળા પર ‘ક્રેપ’ની કાળી પટ્ટીઓ લગાવી દો
અને વાહનવ્યવહારને જાળવતા
પોલીસ ભલે કાળાં સુતરાઉ હાથમોજાં પહેરે.

એ હતો મારી ઉત્તર, મારી દક્ષિણ, મારી પૂર્વ અને પશ્ચિમ દિશા
એ હતો મારું કાર્યસભર સપ્તાહ અને મારા રવિવારનો આરામ
મારી સાંજ, મારી મધરાત, મારી વાત, મારું ગીત
હું તો એમ માનતી હતી કે પ્રેમ કાયમ રહેશે; પણ હું ખોટી પડી.

હવે મને સિતારાઓનો ખપ નથી, પ્રત્યેકને હોલવી નાખો
ચંદ્રને પોટલામાં બાંધી દો અને સૂર્યને તોડીફોડી નાખો
સમુદ્રને ઉલેચી નાખો અને જંગલોને સફાચટ કરી દો
કારણ કે હવે કદીયે કશુંયે સારું થાય એવું બનવાનું જ નથી.

— ઑડન

Audio Player
http://e-shabda.com/blog/wp-content/uploads/2014/09/Stop-all-the-clocks.mp3
00:00
00:00
00:00
Use Up/Down Arrow keys to increase or decrease volume.

સાંભળો સંપૂર્ણ આસ્વાદ, કવિ સુરેશ દલાલના જ અવાજમાં . . .

નાનો હતો ત્યારે ભૂલેશ્વરમાં એવી છબી જોવા મળતી કે જમણી બાજુથી જુઓ તો રામ દેખાય અને ડાબી બાજુથી જુઓ તો કૃષ્ણ દેખાય. અર્વાચીન અંગ્રેજી કવિતાને અમસ્તો પણ જોવાનો પ્રયત્ન કરું છું તો મને એક બાજુ એલિયટ દેખાય છે અને બીજી બાજુ ઑડન દેખાય છે. એલિયટની કવિતામાં દેવળ દેખાય છે; ઑડનની કવિતામાં દ્રાક્ષના બગીચા દેખાય છે. એલિયટને માન આપું છું; ઑડનને મન આપું છું.

આ કાવ્ય એ એક સ્ત્રીનો વિલાપ છે — જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે. આ વિલાપ એટલો તાર સ્વરે છે કે કોઈને પણ આ કાવ્ય સેન્ટિમેન્ટલ લાગે. લાગણી એ તદ્દન અંગત વસ્તુ છે. મૃત્યુ પણ એટલી જ અંગત ઘટના છે — પ્રેમના જેવી જ. તો પછી આટલો બળાપો શા માટે ! આ સ્ત્રી માટે એ સાચું છે કે પતિના જતાં કાળ થીજી ગયો છે, હવે કોમ્યુનિકેશન થઈ શકે એમ નથી. કશું જ રહ્યું નથી. એટલે તો પિયાનોને મૂંગા કરવાની વાત છે. કારણ કે હવે જીવનમાં સંગીત જ ક્યાં છે !

પહેલા શ્લોકમાં નર્યો નકાર છે. કૂતરો ભસે એ પણ સહ્ય નથી. એક માનવી ગયો એટલે આસપાસની કોઈ સૃષ્ટિ સાથે કાંઈ લેવાદેવા નથી.

બીજા શ્લોકમાં વળી બીજી પરાકાષ્ઠા છે — અંગત લાગણીની. વિમાન આકાશમાં ઊડે અને લખે કે એ મૃત્યુ પામ્યો છે. જાહેર કબૂતરોએ પણ કાળી પટ્ટી બાંધવાની. પોલીસોએ પણ કાળાં હાથમોજાં પહેરવાના. એને માટે એનો પતિ સારસર્વસ્વ છે, એની ચાર દિશા છે, અને આજે મૃત્યુએ કરેલી આ દશા છે. દરેક માણસને એમ લાગે છે કે પ્રેમ સદાકાળ માટે રહેશે. પણ ક્રૌંચવધ એ જાણે કે નિયતિનો અફર નિયમ ન હોય !

છેલ્લા શ્લોકમાં બધું અશક્ય કરી નાખવાની વાત છે. કુદરતની તમામ વસ્તુઓમાં હસ્તક્ષેપ કરવાની વાત છે. બ્રહ્માંડનાં સંગીતને હોલવી નાખવાની વાત છે. એ પોતે જ એટલી ખળભળી ઊઠી છે કે એને આખી દુનિયા ખળભળાવી મૂકવી છે. એની વેદનાનું આક્રોશમાં રૂપાંતર થયું છે. કોઈને એમ પણ લાગે કે આ કવિતા કળા માટે વધુ કષ્ટદાયક છે.

આ કવિતા વાંચ્યા પછી હું સહેલાઈથી દોરવાઈ ન જઉં અને ઑડન આવી લાગણીવેડાની કવિતા લખે પણ નહીં, અને છતાંય લખી છે એ એક હકીકત છે. ઑડનને કદાચ આવી અતિશયોક્તિથી કહેવાતા પ્રેમની હાંસી પણ ઉડાડવી હોય. ઑડને અન્ય કાવ્યમાં પણ આ રીતે હાંસી ઉડાવી છે. “રેલવેની કમાન નીચે પ્રેમીઓ એકમેકને કહેતાં હોય કે પ્રેમને અંત નથી. અને હું તો તને ચાહ્યા જ કરીશ; જ્યાં લગી ચીન અને આફ્રિકા નહીં મળે ત્યાં લગી. જ્યાં લગી સાલમન માછલી ગલીગલીમાં ગાય નહીં ત્યાં લગી.”

પ્રેમીઓ તો આવું બોલ્યા કરે. જગદીશ જોષીએ ઉપર ટાંકેલી પંક્તિનો, બૅલાડ જેવા કાવ્યનો અનુવાદ કર્યો છે જે ઉમાશંકરના ગંગોત્રી ટ્રસ્ટના પ્રકાશનમાં મળી શકે. એ તો એક લાંબું કાવ્ય છે. એ કાવ્યમાં પણ જ્યારે પ્રેમીઓ તાર સ્વરે વાત કરતાં હોય છે ત્યારે ઘડિયાળ ખોંખારો ખાય છે. જાણે કે ખોંખારો ખાઈને એમ ન કહેવા માગતું હોય કે પ્રેમમાં ડંફાસ હોય નહીં. ઑડનના બીજા એક કાવ્યમાં એવો પણ સંદર્ભ છે કે કાળ તો જે રીતે બિલ્લી ઉંદર પર છાનો-છપનો ચોકીપહેરો ભર્યા કરે એ રીતે ચોકીપહેરો ભર્યા જ કરે છે.

ઑડનને આ કાવ્યમાં વાત કરવી છે, જૅક એન્ડ જિલ જેવાં નાદાન પ્રેમીઓની. પ્રેમની વિષમતાની અને પ્રેમની વિચિત્રતાની.

સ્ત્રીને માટે એનો પતિ somebody, હોય પણ દુનિયાને માટે એ nobody છે અને માની લો કે somebody હોય તો પણ મૃત્યુ ભલભલાને nobody બનાવી દે છે. તમારી વેદનામાં આખી સૃષ્ટિ ભાગ પડાવે એવી અપેક્ષા રાખવી એ વધુ પડતું છે. કોઈ એક વ્યક્તિને તમે આટલું બધું ચાહો તો આખી દુનિયા બહાર રહી જાય. શકુંતલા પણ દુષ્યન્તમાં એટલી તલ્લીન હતી કે દુર્વાસાને એણે વાણીનો આદર પણ ન આપ્યો. આ વિષે ઉમાશંકર જોશીએ શાકુંતલની પ્રસ્તાવનામાં સરસ મુદ્દો કર્યો છે.

નારીવિલાપનું આ કાવ્ય બાયફોકલ છે. પ્રેમની પણ વાત છે અને પ્રેમની વિડંબનાની પણ વાત છે.
ઑડન પ્રામાણિકપણે માનતા હતા કે પ્રેમ, સાચો પ્રેમ, નિ:સ્વાર્થ પ્રેમ એ કદાચ સૌથી વધુ નિરામય ઔષધ છે જેનાથી માણસની સમજ અને સમાજ બંને તંદુરસ્ત અને મન દુરસ્ત રહે. એટલે તો એમણે એક પંક્તિ લખી હતી કે We must love one another or die, પછી એ પંક્તિ સુધારી અને લખ્યું કે “We must love one another and die.”
જેને ઊંડા અને ઉમદા પ્રેમમાં રસ હોય એવો કવિ ઑડન છીછરા અને ઉપરછલ્લા પ્રેમનો હાંસિયો રાખીને હાંસી ઉડાવે એમાં નવાઈ નથી.

૨૧-૨-૧૯૮૭

સુરેશ દલાલ

Tags: Funeral Blues, Suresh Dalal, W. H. Auden, ઑડેન, સુરેશ દલાલ

5 comments

  • Bindu Dholakia September 3, 2014 at 5:30 am - Reply

    Very nice

  • satish joshi September 3, 2014 at 8:35 am - Reply

    I had heard the good Professor who was better as a lecturer and who wad introducer par excellence of the very best in poetry be in north south west of east.
    Apoorva bhai thanks.

    • Admin September 5, 2014 at 12:29 pm - Reply

      Satishbhai, it is always pleasure to spread such treasures… Many more such things to follow.

  • Vijasinh c.Pethani September 4, 2014 at 10:31 am - Reply

    Thanks to E-Sabda I really enjoyed Sureshbhai with his narrations and meanings of poem.

  • Vinod Patel September 27, 2014 at 5:51 pm - Reply

    મૂળ અંગ્રેજી કાવ્ય રચના ભાવવાહી

    સુરેશભાઈનો અનુવાદ પણ એટલો ભવ્ય

    એમના મુખે અને કલમે થયેલું રસદર્શન તો અતિ સુંદર

    વાહ ધન્ય ધન્ય

    આપના બ્લોગ ઈ-શબ્દ ની પ્રથમ મુલાકાત આનંદદાયી રહી .

    ધન્યવાદ અને બ્લોગની સફળતા માટે અનેક શુભેચ્છાઓ .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.