આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ… હેપ્પી બર્થ ડે હરીન્દ્ર દવે

On September 20, 2014 by Admin

Harindraતા. ૧૯ સપ્ટેમ્બર એટલે કવિ હરીન્દ્ર દવેનો જન્મદિન. ગઈકાલે હતો. ટેકનિકલ કારણોસર ગઈકાલે બ્લોગ સ્થગિત રહેતાં આપણે એક દિવસ મોડા પણ તેમણે યાદ તો કરી લઈએ…

હરીન્દ્ર દવેનું નામ માત્ર ગુજરાતી સાહિત્યનાં રસિકોને જ ખબર હોય એવું કદાચ બને, પણ તમને ગુજરાતી ભાષા આવડતી હોય અને તમે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ ગઝલ ન સાંભળી હોય કે વાંચી હોય એવું જવલ્લે જ બને. ગુજરાતી રસિકોના મોબાઇલ રીંગટોન અને કોલર ટ્યુન સહજ બની જતી આ ગઝલ હરિન્દ્રભાઈની રચના છે અને તેમના વ્યક્તિત્વ તેમજ કૃતિઓના સ્વભાવનું પ્રાતિબિંબ છે. કવિતાઓની મૌલિકતામાં હરિન્દ્રભાઈનું સ્થાન ખૂબ આગળ પડતું છે.

‘આજનો ઇ-શબ્દ’ હરિન્દ્રભાઈ ને શ્રદ્ધાંજલી અર્પતાં તેમની ખૂબ વખાણાયેલી કવિતા ‘ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ..’ તેમના જ અવાજમાં, સ્ક્રીન પર તેમના હસ્તાક્ષર અને તેમની દુર્લભ તસવીરોની સાથે માણવા આપને આમંત્રણ આપે છે. સાથે ઑડિયોમાં શરૂઆતમાં કવિ સુરેશ દલાલે કવિ સમ્મેલનમાં આપેલો હરિન્દ્રભાઈનો ટૂંકો પરિચય. તે સાથે હરિન્દ્રભાઈની અન્ય ૧૦ એમ કુલ ૧૧ કવિતાઓ આ બ્લોગ પોસ્ટમાં, માત્ર ઇ-શબ્દ તરફથી…


વરસાદની મોસમ છે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ધણાં, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મજા
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.
૧૯૭૪

http://e-shabda.com/blog/wp-content/uploads/2014/09/Harindra-Dave-Chal-Varsadni02-11.mp4

… ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
૧૯-૦૩-૧૯૭૬


મઝધારે મુલાકાત

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું ક્હેણ નાખું વાલ્યમા,

ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,

મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.
૧૯૫૬


ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
૧૯૬૨



નજરું લાગી

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ,
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર.
અમોને નજરું લાગી.

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડનેયે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ,
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક,
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યા સઘળા લોક,
ચિત્ત ન ચોંટે ક્યાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાછી,’ એમ કહી કો આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું.
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર,
અમોને નજરું લાગી !
૧૯૫૬


રજકણ

રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
૧૯૬૧


કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા ?
બંધ છોડે જશોદાને ક્હો રે
કોઈ જઈને જશોદાને ક્હો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
૧૯૬૧


માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી !
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી:
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.
૧૯૬૩


નથી રહ્યો

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.

શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.

ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.

જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
૧૪-૦૧-૧૯૭૦


આજની રાત

રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક
એ સામો આવે,
વૃક્ષોને કહો કે એનાં પર્ણોમાં એ કોઈ અજબની રાગિણી વગાડે,
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય —
આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.

બ્રહ્માંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં નેપૂર સાંભળવાં છે;
મધદરિયે મોજાંને પહેરાવેલાં વલય મારે ઉતારી લેવાં છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;
આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.

મિલનાં ઊંચાં ભૂંગળાંને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો,
સિમેન્ટ-કોંક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;
આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;
આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.
૨૦-૧૧-૧૯૭૧


જાણીબૂઝીને

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે !

આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે !
૧૪-૦૬-૧૯૭૧

હેપ્પી બર્થ ડે, હરીન્દ્રભાઈ…


જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
www.e-shabda.com/blog


[Chal Varsadni Mosam Chhe, by Harindra Dave]

Tags: Birthday, Chal Varsadni Mosam Chhe, Harindra Dave, ચાલ વરસાદની મોસમ છે વરસતાં જઈએ, હરીન્દ્ર દવે, હેપ્પી બર્થડે

4 comments

  • Dipika Vyas September 20, 2014 at 9:42 pm - Reply

    Harindrabhai is my favorite poet. Many Happy Returns and a very happy birthday. God bless.

    Tamari kavita jindgi jivvano ehsaas ape chhe.

    Dipika Vyas

  • Rakesh Shah October 21, 2014 at 7:25 am - Reply

    All time classics!

  • Vipin Sheth September 7, 2015 at 6:47 pm - Reply

    One of the best literature treasure at e-shabda.

  • Kishan Thakker November 24, 2015 at 5:49 am - Reply

    Kavitao ma jivant kavi. Prem and srangar ras thi bharpur kavitao jivan jiveva mate prerit kare chhe.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.